પેશનેટ પિતાની પરેશાનીમાંથી પેદા થયેલો થિમ પાર્ક એટલે...ડિઝનીલેન્ડ !


એક દોસ્તનો સવાલ એ હતો કે: 
"તમને એવી કઈ (જીવિત કે સ્વર્ગસ્થ) વ્યક્તિ સાથે ડેટ પર જવું ગમે ? અને શાં માટે?"

આમ તો હું ભોળા ભાવે જવાબ આપી શક્યો 'હોટ' કે...

("હા ! કૉલેજમાં પ્રથમ વર્ષમાં ભણતો ત્યારે એક (પરી) હતી. કદાચ ઈશ્વરે તેને અમારા તાજા નવયુવકોનું ભણતર-ભંગ કરવા જ મોકલી હશે એવી રૂપના અંબાર જેવી સિન્યોરીટા સાથે મને સાચે જ 'ચાહ' પીવા જવું હતું. પણ...હાય રે ! કિસ્મતમાં તો શું કૉલેજના બીજા વર્ષમાં પણ ન પાછી ન આવી એ રીતે ગાયબ થઇ જાણે પહાડમાં સંતાયેલી સોય. હું દ્રઢપણે માનું છું કે એ માનુનીને કૉલેજમાં તેનો મનનો માણીગર નહિ મળ્યો હોય એટલે સ્વર્ગમાં પાછી ચાલી ગઈ હશે....અમને ઊંઠાં ભણાવીને ! ) 😛

પણ 'આહ!વી' વાત કોણ માનશે? એમ સમજીને પછી મેં મારું ધ્યાન કન્યાઓને બદલે ક્રિયેટિવિટી તરફ ફેરવી લઇ કહ્યું "એક વાર નહિ, પણ વારંવાર ડેટ પર જવું ગમે એવી યુનિક અને સુપર-વોલ્ટવાળી વ્યક્તિ તો એક જ છે: વોલ્ટ ડિઝની."

યસ ! આ નાનકડી દુનિયામાં આના કરતાંય વિશાળ, અદભૂત અને અવિસ્મરણીય એવી બીજી દુનિયા બનાવી આપનાર સ્થપતિ એટલે વોલ્ટ ડિઝની. જેમની આંગળીઓ દ્વારા એવાં સેંકડો અને અદભૂત પાત્રો અને કથાનકો રચાયાં, જેમણે આ જગતની લગભગ દરેક વ્યક્તિઓના દિલો પર રાજ કર્યું અને કરી રહ્યું છે.

જેના લીધે સામાન્ય પાર્ક...થિમપાર્ક બન્યાં. ફિલ્મ્સ...એનિમેશન ફિલ્મ્સ બની. નેશન્સ...ઇમેજિનેશન્સ બન્યાં. શક્તિ...કલ્પનાશક્તિ બની. રંગો...રંગબેરંગી બન્યાં. આંસુઓ હાસ્યમાં ફેરવાયાં. અને વેરાન જમીનો....ડિઝનીલેન્ડ બની.

વોલ્ટ ડિઝની ! હવે માત્ર વ્યક્તિ કે બ્રાન્ડ નહિ, પણ એક માયાવી વિશ્વ છે. જેમાં લાખો લોકોને તેની માયાજાળમાં ખોવાઈને પાછા ફરવામાં અણગમો થાય છે. જેમાં આઈડીયેશન્સ, ઇમેજિનેન્સ, ઇનોવેશન્સ, ઈન્ટરેક્શન્સનું એક એવું તો કોમ્બિનેશન્સ રચવામાં આવ્યું છે, જેને માણવા લોકો સમયને પણ બાજુએ રાખે છે.

તો હવે એવી વ્યક્તિ જોડે મને જ નહિ, એ દરેકને પણ મળવું ગમે જ ને? - એટલે જ ઑક્ટોબર મહિનાના O'Jeevan Magazineમાં મેં વોલ્ટ ડિઝનીની એ કન્સિવ-કથા મૂકી છે, જેમાં એક નાનકડી ઘટનાથી આખેઆખું ડિઝનીલેન્ડ રચાયું છે. એક આઈડિયા, એક વિચાર અને એક ઘટનાની વાત જણાવવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે...

આપણે ક્યારેક (બલ્કે વારંવાર) એ બાબતે ગાફેલ રહીએ છીએ કે આપણા નાનકડા સૂક્ષ્મ કામમાં પણ એવી પ્રચંડ શક્તિ રહેલી હોય છે, જેના થકી આપણે એવું કાંઈક રચવા સક્ષમ હોઈએ છીએ જેની આપણને કલ્પના પણ નથી હોતી.


મેગા મોરલો:

"આ દુનિયા ખૂબજ'સૂરત' છે. જેમાં એક નહિ, 'નવ સારી' બાબતો છે. જેને 'વાપી' માટે ઉલટું વિચારવું જરૂરી. 'સચિન'ની જેમ હિટ લગાવવા પડે, તો જ 'ઉંમર'ગામ થઇ મું'ભાઈ' પહોંચી શકાય...લાલા !"

એની વે ! O'Jeevan Magazine તેના ફેસબૂક પેઈજ પરથી મેળવી શકો છો.


ટિપ્પણીઓ