"શું તમે તેના માટે લાયક છો?"

 

(Photo Credit: LiveMint.com

શેર બજારના સિંહ ગણાતા વૉરેન બફેટના જમણા હાથ સમા ચાર્લ્સ (ચાર્લી) મુંગર સાહેબ ગઈકાલે ૯૯ વર્ષે વિદાય થઇ ગયા.

શક્ય છે વૉરેન સાહેબ જેટલી પ્રસિદ્ધિ તેમને આમ દુનિયામાં નહિ મળી શકી હોય, પણ અમેરિકન શેર માર્કેટમાં ચાર્લી સાહેબની કુનેહ, સમજદારી અને ખૂબ જ ઠાવકો તેમજ હળવો સ્વભાવ તેની સાથે જોડાયેલા દરેકને યાદ રહી જશે.

ઇન્વેસ્ટર્સને શેર બજારની ઈન્ડાયરેક્ટ્લી ટિપ્સ આપવામાં તેમજ બફેટની બર્કશાયર હાથવે કંપનીને વિકસાવવામાં 'વાઈઝ' પ્રેસિડેન્ટ તરીકે અમૂલ્ય ફાળો રહયો છે.

(બાય ધ વે ! આ પોસ્ટ હું એટલાં માટે લખી રહયો છું કારણકે...ચાર્લી મુંગરબાપુને હું પાછલાં કેટલાંક વર્ષોથી ફોલો કરતો રહ્યો છું. આમ તો હું શેર-શાયરીનો માણસ, પણ શેર-બજારમાં મારી સમજણ એટલી જ છે, જેટલી વિરાટ કોહલીની હૉકીમાં છે.)

જેમ વૉરેન બફેટના ક્વોટ્સ મશહૂર રહયાં છે, તેમ ચાર્લી સાહેબની શેર બજારની સાથે હ્યુમન સાયકોલૉજીના બજારને પણ ધક્કો મારતી નાનકડી ઘટનાઓ પણ મશહૂર બની છે. જેમ કે...

"એક વખત એવું બન્યું કે...મુંગર સાહેબને કોઈકે સવાલ કર્યો: "સાહેબ, એક સારા લાઈફ-પાર્ટનર મેળવવા માટે શું કરવું જોઈએ?” - ત્યારે મુંગર સાહેબે સટીક જવાબ આપેલો.

"તમને જે જોઈએ છે તે મેળવવા માટે, તમને તેના લાયક હોવું જરૂરી."

યસ ! બરોબર જ જવાબ છે. ગમતી છોકરી કે નોકરી હોય. યા પછી જેને મજાની સર્વિસ આપી શકાય એવાં ગ્રાહકો મેળવવાં હોય તો તેમનો ઉપરનો ક્વોટ આ બધાંમાં લાગુ પડે છે.

હવે જયારે તમને તમારી કોઈ ડ્રિમ-કંપનીમાં તમને ગમતી પોઝિશનને અનુરૂપ જોબ મેળવવી હોય તો પહેલો સવાલ તમે પૂછી શકો: "શું એ પોઝિશન/ કંપની માટે હું લાયક છું?"

કે પછી...

કોઈ બહુઉઉઉઅઅચ્ચ ગમી ગયેલી કન્યા મેળવવી હોય તો તેને આગળ કાંઈકે સાંભળવો એ પહેલા ખુદને સવાલ કરવો રહ્યો: "હે આત્મન ! એ દીપુડી જેવી કન્યા માટે હું ખરેખર રણવીર છું?"

એની વે ! અત્યારે તો હું ફક્ત તેમનો એક ક્વોટ સેમ્પલ રૂપે મૂકી દઉં છું. પણ જેઓને ચાર્લીબાપાની ૯૯ વર્ષીય શેરબજારી જિંદગીના અનુભવોની ટિપ્સ જાણવામાં રસ હોય તેઓ TAO OF CHARLIE MUNGER પુસ્તક મેળવી શકે છે.

🗣 "ઘેંટાઓના ટોળાને જ અનુસરનાર સિંહોના સર્કલથી વંચિત રહી જાય છે. જેનો વસવસો પછી ગધેડાની લાત વાગ્યા જેવો હોય છે." - ચાર્લ્સ મુંગર (૧૯૨૪- ૨૦૨૩) 👋🏻


ટિપ્પણીઓ