ડાબા હાથની કમાલ તો આને કહેવાય !

 


ઓકે ! અત્યારે કોઈ મારી પાસે આવીને મને એમ પૂછે કે...

"મુર્તઝાભ'ઈ, પ્લિઝ મને એટ લિસ્ટ પાંચ પ્રેરણાત્મક પુસ્તકો જણાવી શકો, જેને વાંચવાથી મનને શાતા મળે, બસ ! મજા આવી જાય !" - તો હું ખૂબ શાંતિથી તેને જમણી તરફ જોઈને 'ના' કહું. પણ તુરંત ડાબી તરફ જોઈ તેને યોર્કર બૉલ જેવો ડાયરેક્ટ જવાબ આપી કહું કે...

"જુઓ, તમે પાંચ નહિ, પચીસ પુસ્તકો વાંચજો. પણ તે પહેલા સંયમી ખેર અને અભિષેક બચ્ચનની તેજ તર્રાર ફિલ્મ 'ઘૂમર' બે વાર જોઈ લેજો. પછી 'વાંચવવાનું કામ' આપોઆપ થઇ જશે."

- એમ જણાવી હું ખુદ પોતે હજુ ૨-૩ વાર આ ફિલ્મ જોવા બેસી જાઉં.

પણ મારુ સજેશન સાંભળી એ વ્યક્તિ મને સ્પિનિંગ સવાલ કરે કે "ભ'ઈ, તમેહ મનેંહ 'ઘૂમર' ફિલ્મ શું કામ જોવાનું કૉ'છો ? બીજી કોઈ ફિલ્મ કેમ નહિ??" - તો હું ચુપચાપ નીચે મુજબના ક્વોટ્સ વંચાવી કહી દઉં કે:

"જુઓ ભ'ઈ, આખેઆખી ફિલ્મ પ્રેરણા, પ્રેરણાત્મક અને પ્રેરણાદાયી ડાયલોગ્સથી ભરીને પડી છે. જેને જોયા બાદ તમને કોઈ જ પ્રકારનો ચકરાવો નહિ આવે. બસ ! મોજ આવશે. જેમ કે...

🗣 "અત્યાર સુધી તારા જીવનમાં વારંવાર એક જ ચીજ સાફ કરવામાં વપરાયેલો તારો ડાબો હાથ હવે બોલિંગ કરી શકશે?"

🗣 "એક હાથે તું બીજાનો જાન લઇ શકે છે, પણ તારા ખુદનો જાન કઈ રીતે લઈશ?"

🗣 "મુબારક હો, તારી અંદર બીજા એક બિશનસિંઘ બેદીએ જન્મ લીધો છે. બસ ! એની 'ડિલિવરી' જ બાકી છે."

🗣 "જિંદગી જ્યારે કોઈ એક દરવાજો બંધ કરે છે, ત્યારે બીજો દરવાજો ખોલવા માટે ધક્કો મારવાની તાકાત પણ આપે છે."

🗣 "આ લાઈફ કોઈ લોજિકનો ખેલ નહિ, પણ મેજિકનો ખેલ છે."

જેવાં અઢળક ડાયલોગ્સ આપણી અંદર રહેલા પલ્સમાં લોહીનું ભ્રમણ વધારવા માટે પૂરતાં છે.

ઘૂમર ફિલ્મે મને ખૂબ જ ગમતી ટૉપ-રેટેડ ફિલ્મ્સમાં સ્થાન મેળવી લીધું છે. સંયમી ખેર હવે મને અનુપમ ખેર કરતા પણ વધારે ગમવા લાગી છે. અને અભિષેક પણ મને મિલ્કશેક કરતા વધારે સ્વિટ લાગી રહ્યો છે. બાકી શબાના, અંગદ બેદી અને ઇવાન્કાએ પોતાની રીતે મજાની બોલિંગ અને ફિલ્ડિંગ બતાવી છે.

(બાય ધ વે ! આ અંગદ બેદી એ વાસ્તવિક જીવનમાં બિશનસિંઘ બેદીનો જ દીકરો છે. અને એટલે જ બિશનસિંહ બેદીસાહેબને પણ આ ફિલ્મમાં તેમની સ્પિનરી ઝલક આપવામાં આવી છે.)

ફિલ્મી દુનિયામાં રહેનાર લોકો જાણે છે કે એક ફિલ્મ બનાવવી એ કાંઈ ડાબા હાથનો ખેલ નથી. જ્યારે અહીં તો આખેઆખી ફિલ્મ જ 'ડાબા હાથની કમાલ' ઉપર બનાવાઈ છે.

"ANINA શબ્દ બંને બાજુએથી વાંચી શકાય છે. તો તું બંને 'બાજુ'નો ઉપયોગ કરી જ શકે છે." - એક કૉચ (અભિષેક)નું તેની સ્ટુડન્ટ (સંયમી ખેર)ને અપાતું સુપર-મોટિવેશન આ ફિલ્મ જોવામાં માટે પૂરતું છે.

અને એટલે જ Zee5 પર ગાળેલી એ ૧૩૪ મિનિટ્સ તમને પણ 'ઘૂમરાવી' દેવા પૂરતી છે. જોઈ લો, તમે જોઈ લો, જોઈ લો, એન્જોય લો !

ઘૂમરી પંચ:

"એક સાચો મોટિવેટર ક્યારેય મોટિવેટ નથી કરતો, પણ 'ડિમોટીવેટ' કરે છે. અને એ જ સાચું મોટિવેશન છે." - બાબા મુર્તઝાચાર્ય (યોર્કરવાલે)


એની વે ! ઝેબ્રોનિક્સના આ હેડફોન્સ તમારા મનને મોજમાં ઘૂમાવવામાં મદદ કરી શકે છે.

ટિપ્પણીઓ